યુદ્ધ આગ ઝાંસી અંગ અડી,
રણશીંગા તણી ત્રાડ પડી,
ફોજ વેરી તણી આવી ચઢી,
ઝાંસી તણી રાણી રણે ચઢી,
અબળા પણ, તણાં ડાઘ ભુસવા,
નારી તણા નામ ઉજળા કરવા,
ઘોર અંધકાર ગુલામી તણા દૂર કરવા,
વિરરસ, અમી ઘૂંટડા ભરવા,
તીખી તલવાર આજ તાણી,
જોવા દુશ્મન તણાં પાણી,
પુંઠે બાંધી બાળ, ઘોડે ચડી,
મેલી મમતા, મેદાન પડી,
દળ વેરી તણાં હણવા,
મોત તણી મસ્તી ચઢી,
સૈન્ય વચ્ચે શમશેર ફેરવે રાની,
ફોજ અંગ્રેજ તણી, પીંખે રાની,
તેજ ઘોડા તેજ તલવાર,
તેજ ઉપર હોય અસ્વાર,
ત્રણે ભેળાં મળી કરે વાર,
તો ઢળે લાંબી ફોજ કતાર.
ઝાંસી તણાં જોર જોવા આવી ઘડી,
હિન્દ તણાં પાણી જોવા આવી ઘડી.
ગોઝારું નાળુ આડું આવિયુ !
કાળ તણું મુકામ આડું આવિયું !
મોત તણું મુકામ આડું આવિયું !
જમડે ઝાલી લગામ જોર લગાવીયું.
મત ઘોડા તણી મંદ પડી,
વા'ર વેરી તણી આવી ચઢી.
ઝબૂકે શમશેર તેજ ધાર વાળી.
યુદ્ધ ખેલે રાણી ઝાંસી વાળી.
ઝીંકે ઝટકા, જાણે મહાકાલી !
વાર કરે ઝટપટ વેરી દીયે ઢાળી.
ખાંડા તણા ખણકારા વાગે !
મોત તણાં ભણકારા વાગે !
કોમળ અંગ પાર ઝીલે ઝટકા રાણી !
તીર બરછી ભાલે, કાયા વિંધાણી.
રક્તમાં કાયા રંગાણી.
કંકુવર્ણી કાયા અગન માં હોમાણી !
"જગાણી" વીરરસ ભર્યો ઇતિહાસ રૂડો નીતારે
વિદેશી એ વખાણી, રાણી હિંદને કેમ વિસારે ? !
કોમળ કાંડે ઉપાડ્યું ખાંડું !
ધર્મ કાજ ઢીંગાણે ચઢી.
આઝાદીનાં અજવાળા પથરવા.
ખાંડુ લઈને બાઇ લક્ષ્મી ખૂબ લડી

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.