તોપ નો સંદેશ

આ તૂટેલા મહેલો !! સાવ સુના પડ્યા માનવ વિહોણા  આ ગઢ તણાં કાળમીંઢ પથ્થરો, ડરી રહ્યા !!..........., કાવ્ય તોપ નો સંદેશ, મેજર જગાણી, ફૂલો ને જુઓ જરા

 આ તૂટેલા મહેલો !! સાવ સુના પડ્યા માનવ વિહોણા 
આ ગઢનાં કાળમીંઢ પથ્થરો, ડરી રહ્યા !! 
ભયાનક સાપ અજગરો ફર્યા કરે !!
આજે તેમનો ડર, તે દિવસોએ રાજાઓનો ડર !!!
ને !! મારી નજર તોપ પર પડી.
ત્યાં જઈ મેં,  તોપ ને પ્રશ્ન કર્યો:
કે તમે આ મહેલ જેટલા પુરાણા છો 
ત્યારે તોપ બોલી.
હા......
ત્યારે મેં ફરી તોપ ને પ્રશ્ન કર્યો.
તમ દ્વારા, કેટકેટલાં યુદ્ધ ખેલાયા હશે ?
જરા કહેશો મને ત્યારે તોપ બોલી.
હજારો માનવોને મોત ની ગાઢ નિદ્રાએ,
પોઢાડી દીધાં છે મેં !!!
ખૂબ લડી લડીને હું, ખૂબ થાકી જતી એ જમાનામાં હું 
પણ આજે, રાજાઓ જતા આરામ મળ્યો મને.
હવે હું શાંતીથી અહીં સુઈ રહુ છુ.
મેં તોપને ફરી પ્રશ્ન કર્યો.
આ મહેલો ની રોનક, ત્યારે કેવી હતી ?
ત્યારે તોપ બોલી.
જુઓ, ત્યાં રાજાનો, દિવાનખંડ હતો.
તમે ઉભા છો ત્યાં, શયનખંડ હતો !!
રાજા પોતાની રાણી સંગે, ખૂબમદિરા પી વૈભવ માણતા.
સામે બાગ હતો, તેમાં અનેક રંગી પુષ્પો ખીલતા.
રાજા પોતાના કુંવરો, તથા રાણીઓ સંગે,
હિંડોળા પર ઝૂલતા, ખૂબ રમૂજ કરતા. 
પેલો થોર ઉભો છે ત્યાં, રાજાનો દરબાર ભરાતો.
અને ત્યાં, સુંદર મહેફિલો જામતી.
મદિરા ની પ્યાલીઓ, ખૂબ છલકાતી !
સુકોમળ સુંદરીઓ નૃત્ય કરતી, 
રાજાઓને રિઝવવા, અનેક કલાઓ રજુ કરાતી.
સામે પથ્થરો ના ઢેર પાસે, ઘોડા ની ઘોડારો હતી.
સામી જગ્યાએ, હાથીઓ ઉભા રહેતા હતા.
આ રસ્તાઓ ક્યારેક 
સિપાહીઓ ના ઘોડા ના ડાબલા થકી, 
ધણધણી ઉઠતાં અને ઝીણી ઝીણી ડમરીઓ ઉડી,
નાના નાના છોડો ને રંગી નાખતી.
આ મહેલો ની જાહોજલાલી, ત્યારે નિરાલી હતી.
એક દિવસ એવો ગોઝારો આવ્યો !!
સમય સિંહ બની તરાપ મારી ગયો !
આ હરણી સમા મહેલો પરે !!
સુંદરતા તૂટી પડી, યુદ્ધો તણાં કારણે
રાનશીંગા ફૂંકાયા, યુદ્ધ નગારાં ઘેકી ઉઠ્યા !!
જોત જોતા, લાશોના ઢગલા વળી ગયા !!
આખરે, સર્વનાશ !! આમ બોલી તોપ ચૂપ થઈ ગઈ.
અને થોડી વાર પછી તોપે, મને પ્રશ્ન કર્યો !!
કે હાલમાં આ જગતમાં, કેવું ચાલે છે ??
માનવો વચ્ચે, યુદ્ધ થાય છે કે નહીં ? તે જરા મને કહો.
મેં તોપ ને કહ્યું, કે તમારા જમાના માં સિપાહીઓ, 
તમને તાણી, રણમેદાનમાં યુદ્ધ માટે લઈ જતા હતા.
કેમ ખરું ને?? પણ હાલમાં સિપાહીઓ તોપની અંદર બેસી, 
રણ મેદાનમાં જાય છે !!
ત્યારે તોપ બોલી, આ તો નવાઈ ની વાત છે.
પણ મારો એક સંદેશ, જગત ને આપશો ? 
મેં કહ્યું હા, ખુશીથી કહો સંદેશ તમારો.
ત્યારે તોપ બોલી, કે આ ખન્ડેરો પણ,
ક્યારેક રૂપાળા હતા.
બસ આટલું જગતને કહેજો "જગાણી" !

Source:fulo ne juo jara 
(Kavya sangarh) 
By: mejar jagani 
Year:1996

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages