મૃત્યુ લોક માં અમૃત માણે, જે ગુરુ જ્ઞાનનો ભેદ જાણે.
જૂઠી માયાનો જે ભાર ન તાણે, જે ગુરુ જ્ઞાનનો ભેદ જાણે.
મૃત્યુ લોક માં અમૃત માણે......
જે ખુદને કર્તા ક્યારે ન માને, જેને ગુરુ જ્ઞાનની ગમ પડી.
ભક્તિ તરંગો આવે એવી, જ્ઞાનની ગંગા હેલે ચડી.
ઘટમાં જાગી મોજની ધારા, જેણે ભજન કર્યું હોય તે માણે.
મૃત્યુ લોક માં અમૃત માણે......
અંતર ઘટમાં ગુરુ બિરાજે, જેનું ચિતડું લાગ્યું બ્રહ્મમાં.
મન થયાં નિર્મલ જેના, સત્ય વચન તેના તનમાં.
ના રહે ઉર અભિમાન કદી, જેનું મનડું રંગાયું ગુરુના જ્ઞાને.
મૃત્યુ લોક માં અમૃત માણે......
ગુણિયલ સદગુરુ જેને મળ્યા, જીવ માંથી શિવ બનાવ્યો.
શિવ ગતિ પામ્યા પછી, આતમ રામ નજરે આવ્યો.
મોહ માયાથી મળી મુક્તિ, મન સુખ દુઃખમાં એક ઠેકાણે.
મૃત્યુ લોક માં અમૃત માણે......
કોટી જન્મોના છૂટ્યા કર્મો, જેણે હરિ નામથી સાધ્યો તાર.
શ્યામ જ્યોતિ જબુકી "જગાણી" જેના નયનોમાં થયો ચમકાર.
ધન્ય બની ફકીરી તેની, ભ્રમણા વિધાણી ગુરુના બાણે.
મૃત્યુ લોક માં અમૃત માણે......
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.