મોરબી હોનારત

મચ્છુ એ પીધી મદિરા, મુખ સાગર તણું ચુમવા!
હોશ વિણ ભૂલી નિજ માર્ગ, અવળી લાગી ઘુમવા!

મોરબી સામે કરડી મીટ માંડી, ઘસ્યા જળ અવાર!
મચ્છુએ આજ માજા મૂકી, ગાંડી બની ધર્યું રૂપ ભયંકર!

જળ ફુફાળા મારે શેરીઓ મહી, અતિ દિશે વિકરાળ!
મુંજાણી મત માનવીઓ તણી, સામે આવી ઉભો કાળ.

પ્રચંડ શક્તિ પુર તણી, શસ્ત્ર વિણ જુઓ કરે સંહાર.
ખોટ મોટી કાયમ રહી! સ્નેહી તણો ગયો સથવાર.

કફન તણી ખોજ કરતી, જળ પર તરતી લાશો દિશે.
અગ્ન વિહોણી કાદવ મહી, સડતી લાશો દિશે.

હતી મોર સરિખડી મોરબી, રૂપ તણો હતી અંબાર.
પુર થકી થઈ પાંગળી, સુંદર શેરીઓ દિશે ભંગાર.

જળે આજ જખમી બનાવ્યા, પૂંજી તાણી ગ્યા પુર.
ફરે શેરીઓ માં મળા જેવા માનવી, મુખ પર ન રહ્યું નૂર.

ઘર ગયું ધન ગયું! "જગાણી" ગયા કુટુંબ કેરા વ્હાલ!
વૃદ્ધ વય તણો સહારો ગયો, હવે ઉગશે કેવી કાળ!

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages